Pages

Saturday, May 12, 2012

मा फ़लेशु कदाचन


मा फ़लेशु कदाचन

આપણે માનવો આંબો વાવવા માટે ટેવાયેલા છીએ. એનું ખૂબ કાળજીથી જતન કરીએ છીએ. નિયમિત પાણી દઈએ છીએ. કોઈ પ્રાણી એનો નાશ કરી ના જાય માટે એની આજુબાજુ નાનકડી વાડ બનાવીએ છીએ. આપણને ખબર હોય છે કે એની કેરીઓ ખાવા નથી મળવાની. પશુઓ ખાલી બચ્ચા પેદા કરવા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને માનવો બાળકોના બાળકોનું પણ જતન કરીએ છીએ. જેથી તેઓ એમની રીતે નવી કેડી કંડારીને એમની રીતે જીવી શકે. આપણે વારસો મૂકતા જઈએ છીએ. કારણ આપણે માનવો છીએ. વારસામાં આપણે ખાલી બાળકો જ મૂકતા નથી જતા. બીજું ઘણું બધું મૂકતા જઈએ છીએ. વારસામાં ખાલી આપણાં જિન્સ મૂકતા જઈએ તેટલું પૂરતું નથી. પણ એ જિન્સ ખૂબ સારી રીતે ભવિષ્યમાં જીવે તેવું ઘણું બધું મૂકતા જઈએ છીએ. નવા વિચારો, નવી નવી શોધો, નવા નવા આદર્શો, નવી નવી પદ્ધતિઓ ઘણું બધું મૂકતા જઈએ છીએ. ભલે એના ફળ આપણને ચાખવા ના મળે. આપણો યુનિક અર્ક અસંખ્ય રૂપે જીવતો હોય છે.

Reproductive સફળતાને મદદરૂપ થાય તેવું કઈ પણ કરીએ ત્યારે Mammalian limbic સીસ્ટમ હેપી કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે. તમે ભલે reproductive success માટે ચિંતિત ના હોવપણ તમારા હેપી કેમિકલ્સ એની ચિંતા કરતા જ હોય છે. કુદરતનો આભાર માન્યા વગર પશુઓ ફક્ત એમના જિન્સ સર્વાઈવ થાય તેની ચિંતા અભાનપણે કરતા હોય છે. પશુઓ એ જ કરતા હોય જે એમના હેપી કેમિકલ્સના સ્ત્રાવ માટે કારણભૂત હોય અને દુખ પમાડે તેવાને એવોઈડ કરતા હોય છે. આપણું બ્રેઈન આપણે વારસામાં શું મૂકતા જઈએ છીએ તેનું અભાનપણે ચિંતા કરતું હોય છે, કારણ તે આપણાં હેપી કેમિકલ્સનાં સ્ત્રાવ માટે કારણભૂત બનતું હોય છે.

જરૂરી નથી કે વારસામાં ધનની મદદ વડે ચણેલી કોઈ મોટી ઇમારત મૂકતા જવું, કે પૌત્ર પૌત્રાદીને કોઈ વાનગીની રેસીપી શીખવતા જવું. વારસામાં એક જ્ઞાનનું બીજ રોપતા જવું જે કાલક્રમે ફૂટીને વૃક્ષ બની જશે તેવો વિશ્વાસ હોવો જરૂરી છે. એક વૈચારિક આંબો રોપતા જવું ભલે એની કેરીઓ ચાખવા પોતાને કદી મળે નહિ. બહુ અઘરું છે આવું કરવું, પણ વિચારો આજે આપણે ઘણું સારું જીવન જીવી રહ્યા છીએ કે ખૂબ સારા ફળ પ્રાપ્ત કરી રહ્યા છે કે એના બીજ આપણાં પૂર્વજોએ વાવેલા છે, જેઓ એના છોડ પર ખીલેલા સુંદર ફૂલ જોવા આજે જીવતા નથી. Gregor  mendel , જીનેટીક્સનાં શોધક, એમના મૃત્યુના ૨૦ વર્ષ પછી એમની પોતે પબ્લીશ  કરેલી સંશોધન બુક ઉપર વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું હતું.  અને આજે ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ જીનેટીક્સને એક મહાવૃક્ષ રૂપે વિકસાવી દીધું છે. લગભગ મોટાભાગના લોકો
એમના વાવેલા વૃક્ષોનાં ફળ ચાખ્યા વગર મૃત્યુ પામતા હોય છે. 

ક્રિસ્ટોફર કોલંબસને મરતાં સુધી ખબર નહોતી એણે કોઈ ખંડ શોધી કાઢ્યો છે. વિન્સેન્ટ વાન્ગોંગ અમૂલ્ય ચિત્રો મૂકતો ગયેલો એક પણ સેન્ટ કમાયા વગર. તિલક અને ગોખલે જેવા અનેક સ્વતંત્રતા માટે લડેલા સેનાનીઓ લાલ કિલ્લા ઉપર લહેરાતો તિરંગો જોવા જીવ્યા નહોતા. આશરે ૬૦૦ વર્ષ પહેલા
જૂનાગઢના ઉચ્ચ ગણાતા બ્રાહ્મણ નાગરી નાતના નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા નિવારણ માટેનું
એક નાનકડું બીજ હરીજનવાસમાં ભજન ગાઈને રોપેલું. એના ૫૦૦ વર્ષ પછી પોરબંદરના વણિક એને
ખૂબ પાણી પાયું. અને આજે?? જો લોકો એવું વિચારે કે હું જે વાવું તેના ફળ મને આજે જ ચાખવા મળવા જોઈએ, બાકી વાવું નહિ, તો આજે આપણે જે નવી દુનિયા જોઈ રહ્યા છીએ તે હોય નહિ. ૨૫૦૦ વર્ષ પહેલા ભારતે દુનિયાને લોકશાહીનો આદર્શ એક બીજ રૂપે આપેલો. આજે લગભગ થોડાક દેશો બાદ કરતા બધે લોકશાહી ચાલે છે. આજે આકાશે આંબતી ઈમારતો જોઈએ છીએ એનું કારણ છે ઈસુના ૩૩૦૦ વર્ષ પહેલા શૂન્યની શોધ પહેલા ભૂમિતિનું જ્ઞાન હરપ્પન લોકોને હતું.

ચાખવાનો આનંદ માણ્યાં વગર સુંદર ફળ  ઊતરશે જ એવી દ્રષ્ટિ કેળવતા નવું નવું વાવેતર કરતા જવું એનું નામ જીવન. ઘણીવાર નિરાશા ઊપજતી હોય છે કે દુનિયા તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળતો હોતો નથી. કે દુનિયા અને લોકો આપણાં કરેલા કામને કે વાવેતરને નજર અંદાજ કરતી હોય છે, ધ્યાનમાં લેતી નથી. અહી જ શ્રી કૃષ્ણે કહ્યું છે કે નિષ્કામ ભાવે કર્મ કરે રાખ કે અનાસક્ત થઈને કામ કરે રાખ. કારણ તમે દુનિયાને કંટ્રોલ કરી ના શકો.  છતાં પ્રમાણિક બનીને કહું કે નિરાશા તો થાય જ છે કે ફિલોસોફી પુસ્તકોમાં સારી લાગતી હોય છે.

પશુઓ એમના જિન્સને જીવતા રાખવા માટે ખૂબ જહેમત ઉઠાવતા હોય છે, પણ અચેતન રૂપે. તેઓ
સભાનપણે જાણતાં નથી હોતા છતાં જહેમત કરે રાખતા હોય છે, જીવ સટોસટની લડાઈ લડે રાખતા
હોય છે. બસ એમના હેપી કેમિકલ્સ સ્ત્રવે તેવું કરે રાખવું અને દુખ પમાડે તેવા રસાયણ સ્ત્રવે તેને એવોઈડ કરવું. એમની પાસે પૂરતા ન્યુરોન્સ હોતા નથી કે ભવિષ્યની કલ્પના કરે. તેઓ જાણતા હોત નથી કે એમના વગર પણ દુનિયા  એક દિવસ ચાલવાની જ છે.

આપણે માનવો પાસે પુષ્કળ ન્યુરોન્સ છે, ભવિષ્યની કલ્પના છે. આપણને આપણી મરણશીલતાનું
મહાભારે બોજરૂપ જ્ઞાન છે. આપણું cortex આપણાં પોતાના મૃત્યુની એક અમૂર્ત છબી ઉપજાવી શકે છેજે આપણા સર્વાઈવલ કેન્દ્રિત reptile બ્રેઈનની બહાર જઈને આપણને દિવસના જીવંત અજવાળાથી પણ ડરાવે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દ્રાક્ષ ખાટી છે છોડો, ઘણીવાર વિચારીએ છીએ કે દુનિયા ગઈ ભાડમાં આપણે શું? અને ઘણીવાર આપણે દુનિયાને બદલી નાખીએ તેવો અહંકાર લઈને દોડીએ છીએ. દુનિયા તો એક વહેતો મહાસાગર છે, આપણે એને સ્થિર કરીને આપણી એક છાપ એના ઉપર મારવા ઇચ્છીએ છીએ. પણ એવું થતું નથી.આખી દુનિયા તમે બદલી શકો નહી.  લોકોના ગળે તમારી વાત સહેલાઈથી ઉતારીને તમે ભવિષ્ય બદલી શકો નહી.

પશુઓ શું કરે છે એમનો વારસો બચાવવા? એક પછી એક પડકાર ઝીલીને પાર ઊતરે છે અચેતન
રૂપે, અભાનપણે. આપણે સર્વાઈવલ માટેના પડકારો સર્જનાત્મક રીતે જીતી શકીએ. આપણે નવી નવી
સર્જનાત્મક સર્વાઈવલ સ્કીલ વારસામાં મૂકી જઈ શકીએ છીએ. અને એ રીતે દુનિયા ઉપર એક સિક્કો મારી શકીએ.એક નવો વિચાર, એક નવો આદર્શ, એક નવું સંશોધન, એક નવું વિજ્ઞાન, એક નવું બીજ રોપી શકીએ. જેના ફળ આપણાં વારસદારોને ચાખવા મળે. અને એ રીતે આપણાં જિન્સ જીવતા રહે.

વૈજ્ઞાનિકોનું નવું સંશોધન કહે છે કે આપણે આપણાં અનુભવોમાંથી કેળવેલા વિશિષ્ટ ગુણ,  વિશિષ્ટ લક્ષણ,  લાક્ષણિકતા,  ખાસિયત આપણાં વારસદારોમાં  જિન્સ દ્વારા મોકલી શકીએ છીએ. પશુઓ એમના જિન્સ ફેલાવવા માટે ખૂબ મથતાં હોય છે સાથે સાથે એમના જીવનના અનુભવો એમના વારસોમાં દાખલ કરતા હોય છે. આપણાં અનન્ય અનોખાં જીવનનાં અજોડ અનુભવો દ્વારા ઘડાયેલા અનુપમ જિન્સનું ફળ એટલે આપણો વારસો.

માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!પૈસો પાપ છે??????


માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!પૈસો પાપ છે??????
પૈસો પાપ છે. અતિશય ધન સારું નહિ. ધનિકને ઘણા દુખ હોય. પૈસા પાછળ ખરાબી આવે. ગરીબી મહાન. તુલસી હાય ગરીબ કી લોહા ભસમ હો જાય. ગરીબની હાય લાગી જાય. ગરીબ માણસ ચારિત્રવાન.ધનિક પાપી,ચરિત્રહીન. ભૂખ્યાજનોનો જઠરાગ્ની જાગશે, ખંડેરની કે મહેલની?? ભસ્મકણી ના લાધશે..આવી તો ઘણી ઘણી વાતો ભારતના મનમાં સમાયેલી છે. ગરીબીની મહાનતાની વાતો કરી કરીને એને ભારતના અચેતન મનમાં ઘુસાડી દીધી છે. ધન સારું છે. ધન વગર કોને ચાલે છે? ગરીબી પાપ છે. ગરીબી પાછળ ઘણા દુખ હોય છે, પણ અહીં તો દુઃખમાં પ્રભુ સાંભરે. દુઃખમાં બીજું યાદ પણ શું આવે? બચાવો બચાવોના નારા લગાવવાની આદત પડી ગઈ છે. તમામ પ્રાર્થના અને ભજનોમાં ભગવાન બચાવે તેવું જ હોય છે. ભગવાન દુઃખ દૂર કરે. માટે જ મને ભજનો  ગમતા નથી. એમાં ભીખ માંગવા સિવાય હોય છે શું? કાંતો કાલ્પનિક ભગવાનના રંગ અને રૂપના વર્ણન હોય છે, બીજું હોય છે શું??
 ભજગોવિંદમમાં શંકરાચાર્ય એવું જ કહે છે કે ધનને હંમેશા ખરાબ ગણો, પાપ ગણો, એનાથી તસુભાર પણ સુખ ના મળે, આ વાત બધે અને કાયમની છે. હવે શંકરાચાર્યની વાત કોણ નહિ માને? આપણાં પોતાના અને પોતાના કુટુંબ માટે ધન  જરૂરી જ છે. ધન વગર ચાલતું નથી, છતાં ગરીબી થી છૂટવાનું મન થાય નહિ, કારણ ગરીબીની મહાનતા અચેતન મનમાં સદીઓથી ઘુસાડી દીધી છે. એના લીધે કમાવાનું મન જ થાય નહિ. કોઈ મોટિવેશન જ મળે નહિ. હંમેશા ધાર્મિક મહાપુરુષો મહત્વાકાંક્ષાને વખોડતા હોય છે. એનાથી દુઃખ વધે. ધ્યાન લાગે નહિ. મેડીટેશનમાં તકલીફ થાય. હવે એજ ગુરુઓ ધનમાં આળોટતા હોય છે. એક પરિવારના કહેવાતા મહાપુરુષ સાવ નાનકડા બગીચામાંથી કથા કરતા કરતા ૪૦૦ કરોડ કરતા પણ વધુ મિલકતના સ્વામી બની ગયા હતા. અને એમણે એમના ધાર્મિક પરિવારને સરસ સૂત્ર આપેલું, ”ચાલશે, ફાવશે, દોડશે. ” મૂરખ લોકો ઘરના શિંગચણા ખાઈને એમના પરિવારને ઉંચો લાવવા મથીને પાપ દૂર કરતા હતા. 
મારા એક મિત્ર વડોદરાના પ્રદીપ પટેલ વર્ષો પહેલા આ પરિવારના કોઈ ધાર્મિક ફંકશનમાં ચાણોદ ગયેલા. ત્યાં એક હવનકુંડ હતો. વ્યર્થ લાકડા અંદર સળગતા હતા. આજે જ્યારે ભારતમાં જંગલો રહ્યા નથી, એના ખરાબ પરિણામ ભોગવી રહ્યા છીએ ત્યાં આ યજ્ઞોની શું જરૂર છે? વાત એવી હતીકે પેલાં યજ્ઞ કુંડમાં બધા કાગળ  હોમતા હતા. વળી પાછો એક વૃક્ષનો નાશ કાગળ રૂપે. મારા મિત્રે તપાસ કરી કે આમાં કોઈ હવન સામગ્રી હોમતા નથી ને લખેલા કાગળિયા કેમ હોમતા હશે?? જાણવા મળ્યું કે પોતે કરેલા પાપ લખીને આ યજ્ઞકુંડમાં હોમી દેવાથી પાપનો નાશ થઈ જાય છે. કર્મનો નિયમ ગયો ભાડમાં, મારા મિત્ર ને થયું ચાલ આજે સારો ચાન્સ મળ્યો છે ભૂલમાં કરેલા પાપ બળી જશે. મૂળ તો ખેતી કરતા, કોઈ કહેવાતું પાપ કરે તેવા નથી, પણ ભૂલમાં થયું હોય તો આજે બાળી નાખીએ, સમજી કાગળમાં લખીને નાખવા ગયા તો રોકવામાં આવ્યા કે તમે આ પરિવારના રજિસ્ટર્ડ સભ્ય નથી માટે અહીં પાપ બાળી નહિ શકો. બોલો હવે શું કહીશું?? હંમેશા ગીતા, ઉપનિષદ ઉપર પ્રવચનો આપતા મહાપંડિત ગણાતા આ ક્ષુદ્ર ગુરુને પણ ધન વગરતો ચાલ્યું જ નથી. સાદગીનો મહાન સંદેશ ”ચાલશે, ફાવશે, દોડશે” આપનારા ગુરુઓના રાજમાં ધનના ઢગલા થતા હોય છે.
         ગાંધીજીએ પણ એક મહાન ભૂલભરેલો શબ્દ ઠોકી બેસાડ્યો  ‘દરિદ્ર નારાયણ’..દરિદ્રતા દૂર કરવાનું મન જ ના થાય. સાથે નારાયણ પણ દૂર થઈ જાય ને!!!!મૂળ હિંદુ ધર્મમાં  જુઓ નારાયણ તો કેટલા બધા પૈસાવાળા દેખાય છે?? ધનની દેવી લક્ષ્મી એમના પગ દબાવે છે કે નહિ? ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્યવાન..દરિદ્ર  કદી નારાયણ ના બની શકે. પછી કુંવરબાઈનું મામેરું કેમનું ભરાશે? હૂંડી કોણ સ્વીકારશે જો નારાયણ દરિદ્ર હશે તો????માટે નારાયણ તો ધનિક જ સારો. તમતમારે દરિદ્ર રહો નારાયણને શું કામ દરિદ્ર બનાવો છો?  દરિદ્રતા પાપ છે. પાપનું મૂળ છે. દુઃખનું કારણ છે.
       આ ધને વખોડવાની નીતિને લીધે આપણે  દેશને  poorest દેશોની હરોળમાં બેસાડી દીધો છે. આ નીતિને લીધે ધન કમાવાની ઇચ્છા જ મારી નાખી છે. અને જે માણસ પુષ્કળ ધન કમાઈ લે તે પણ અંદરથી પોતાની જાતને ગિલ્ટી ગણતો થઈ જતો હોય છે. પછી ગુરુઓની પાછળ દોટો મૂકતો થઈ જાય છે. એકવાર ધન કમાઈ લીધું પછી એમાંથી મળેલા પાપને ભૂસવા ગુરુઓ  પાછળ ફરતો કરી દે છે. એ કોઈ રિસર્ચ કરવા પૈસા નહિ વાપરે પણ ગુરુને મંદિર બનાવવા બ્લેન્ક ચેક આપશે. વડોદરાની ગલીઓમાં કથા કરી ખાતા એક હાલના નવા ઊંચે ચડી રહેલા કથાકારને મેં ઓચિંતાં ધીરુભાઈ અંબાણીના મ્રત્યુ પ્રસંગે ટીવીમાં એમના ઘરમાં જોયા ત્યારે નવાઈ લાગેલી. આજે તો પત્નીને પૈસા આપી તગેડી(ડિવોર્સ) મૂકી, સૌરાષ્ટ્રમાં  કોઈ મોટું ગુરુકુળ બનાવી બેઠાં છે. નીતા અંબાણી પણ ધંધામાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટી બન્યા છે.
    હા!! પૈસા થી સગવડ ખરીદી શકાય છે, સુખ નહિ. પણ ગરીબીમાં શું ખરીદી શકશો??ના સુખ, ના સગવડ..સુખતો મનમાં હોય છે, પણ જ્યારે પૈસો નથી હોતો ત્યારે મનમાંથી સુખ પણ જતું રહે છે. ધર્મોએ હંમેશા ગરીબી વખાણી છે. શ્રદ્ધાના પાયા પર રચાયેલી ભારતની ગરીબી દૂર કરવી ભગીરથ કાર્ય છે. પણ ભૂખે ભજન ના થાય ગોપાલા.

લાગણીઓના ચેપ

લાગણીઓના ચેપ

શું લાગણીઓ ચેપી હોય છે? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઈમેઈલ કરીને, ફેસબુક અને ટ્વીટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે. નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે?
આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમ અને વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઈવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મેમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો. આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઈવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનીવર્સીટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.
આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મેમલ બ્રેઈન લીમ્બીક સિસ્ટમનું આ મીકેનીઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાયકોલોજી કે મોબ સાયકોલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઈવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.
કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કોર્ટેક્સ આપ્યું છે. લીમ્બીક સીસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કોર્ટેક્ષની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેઈન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઈવલ માટે વિકસેલું મીકેનીઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.
પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પોજીટીવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ. આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાઈવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.

મારું જીવન, મારા જિન્સ.


કેરિયર કાઉન્સેલર Paula Wishart ( Ann Arbor , Michigan ) ને ૪૦ વર્ષે એક રહસ્ય જાણવા મળ્યું કે એના જિન્સમાં Lynch Syndrome વસી રહ્યો છે. કોલોન કેન્સર માટે જવાબદાર આ જીનેટીક્સ મ્યુટેશન વારસાગત લોહીમાં ઊતરતું હોય છે. સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર પણ આને કારણે થતું હોય છે. આ મહિલાના દાદા અને પરદાદા પણ કોલોન કેન્સરના કારણે મૃત્યુ પામેલા તો ઘરમાં એવી વાયકા ચાલતી કે ફૅમિલીમાં કોઈ ખરાબ લોહી વહી રહ્યું છે.
Lynch Syndrome કાતરિયામાં છુપાયેલા ખૂની દરિન્દા જેવો છે જે ડઝન જુદા જુદા રસ્તે મારી શકે છે. આ રોગ માટે ટેસ્ટ શરુ થયા છે તેવું જાણ્યા પછી પણ આ મહિલાની કાકીએ એની ઉપેક્ષા કરેલી. એની કાકી કોલોન કેન્સરમાં ગઈ, થોડા સમય પછી તેની દીકરી, અને પછી દીકરો પણ ગયો. Wishart પોતે જાણવા માટે ડરતી હતી પણ વધુ ડરતી હતી ના જાણવા વિષે. રોગ છે તેવું જાણવું પણ ઘણાને ગમતું હોતું નથી. ડર લાગતો હોય છે. મારા એક સગા ખૂબ દૂબળા પડી ગયેલા અને સાવ કમજોર થઈ ગયેલા, પણ એમને ડર લાગતો કે ડૉક્ટર ટીબી છે તેવી નિદાન કરી દેશે તો? એટલે ડૉક્ટર પાસે જતા નહિ. વિશાર્તની માતાનો ટેસ્ટ પોજીટીવ આવ્યો હતો, એ અને તેનો ભાઈ પણ નસીબદાર નહોતા.
થોડા સમય પહેલા આપણે વિનાશક જીવલેણ મજબૂરીઓ વિષે જાણતા નહોતા. એટલે બધું ભગવાનના હાથમાં હતું. પછી ડોકટરો ભગવાનની જગ્યા લેવા લાગ્યા. જીવલેણ કમજોરીઓ વિષે આ લોકો જાણવા લાગ્યા હતા. હવે genomics ક્રાંતિએ આખી રમત ફરીથી બદલી નાખી છે. રોગોની માહિતી વિષે શુભ અને અશુભ ગૂંચવાડો ઊભો થઈ ગયો છે. જીનેટીક્સ ટેસ્ટ રોગોની આગોતરી જાણકારી વિષે મહત્વનું કામ કરે છે. જીવલેણ રોગો માટે કોઈ એક જિન્સ કારણભૂત હોતો નથી. એ ઘણા બધા જિન્સની ક્રિકેટ મેચ જેવું છે. જે હજુ વૈજ્ઞાનિકો માટે સમજવું અઘરું છે. જો કે આગોતરી જાણકારી લાભદાયી હોય છે. પેટ સ્કેન વડે Alzheimer રોગ વિષે અગાઉથી પેશન્ટમાં એના કોઈ લક્ષણ નાં દેખાય છતાં જાણી શકાય છે.
પણ આવી આગોતરી જાણકારી ઝેરી બની જતી હોય છે. અગાઉથી જિન્સ ચેક કરાવી પોતાના મોતની જાણકારી સાથે જીવવું શું યોગ્ય છે? કે આવી આગોતરી માહિતી ખુદ જીવલેણ નથી લાગતી? એક સ્ત્રીનું કહેવું હતું કે ” હું જાણું છું કે મને સ્તન કેન્સર છે અને તેનું કારણ Alpha-1 મ્યુટેશન છે, પણ ભગવાને આ જિન્સ મને જ કેમ આપ્યા? ભગવાને હું સંભાળી ના શકું તેવા જિન્સ મને શું કામ આપ્યા?”
આપણે ખરાબ ઘટનાઓના કારણો વિષે જાણવા ઉત્સુક હોઈએ છીએ. આપણે જાણવા માંગતા હોઈએ છીએ કે આ કરુણ ઘટનાનું કારણ શું? અને એના માટે કોને જવાબદાર ગણવા? જીનેટીક્સ ટેસ્ટ તમને તેના છુપા બાયોલોજીકલ પ્રોસેસની જાણકારી આપે છે. જોકે ખાનપાન,રહેણીકરણી, આબોહવા, વાતાવરણ, ટેવો આ બધું પણ જીવલેણ રોગો માટે જવાબદાર હોય છે. સાથે સાથે વારસામાં મળેલા જિન્સ અને જિન્સમાં થતા મ્યુટેશન પણ જવાબદાર હોય છે.
મારા એક કાકાશ્રી પોલીસખાતામાં હતા. રિટાયર થયા ત્યારે ડી.વાય.એસ.પી. હતા. બેઠી દડીના, વીંછીનાં આંકડા જેવી મૂછો રાખતા. સ્મોકિંગ કરતા, નિયમિત ડ્રીંક કરતા. બહારગામ જવાનું હોય તો એમની બેગમાં ડ્રીંક લઈને જતા. પણ મેં ક્યારેય સાંભળ્યું નથી કે એમને કોઈ ગંભીર બીમારીમાં દવાખાને દાખલ કર્યા હોય. આશરે ૮૫ વર્ષે તંદુરસ્ત હાલતમાં અચાનક ગુજરી ગયેલા. લાંબા આયુષ્ય માટે કારણભૂત જિન્સ છે FOXO3A વાંચો અહીં Flachsbart et al. 2009 અને 2008 .. અને સ્ત્રીઓના લાંબા આયુષ્ય માટે કારણભૂત છે જિન્સ FOXO1A.
Telomeres જિન્સના છેડા ઉપર બેસાડેલી કેપ સમજો. આ કેપ નાની હોય તો જિન્સ ડેમેજ થવાના ચાન્સ વધી જતા હોય છે. આ કેપ ટૂંકી અને ઘસાયેલી હોય એટલાં રોગ વધુ થવાના. બાળકોના જિન્સ ઉપરના telomeresચેક કરીને જાણી શકાય છે કે બાળકો મોટા થઈને અમુક રોગો સાથે તણાવયુક્ત થઈને આક્રમક હિંસક વલણધરાવશે. બાળકોમાં આ telomeres ઘસાઈને ટૂંકા હોવાનું કારણ જણાયું છે મોટાઓ દ્વારા થતી શારીરિક સતામણી, શારીરિક સજા, બે કરતા વધુ હિંસક બનાવનો અનુભવ, સતત મળતી ધમકી. આ telomeres ઘસાઈ જવાનું બીજું કારણ હોય છે નબળો પ્રદૂષિત ખોરાક, કસરતનો અભાવ, સ્મોકિંગ, વિટામિન D ની ખામી, રેડીએશન, ડાયાબીટીસ જેવા રોગો. બસ તો બાળકોને સતત ધમકાવશો નહિ, શારીરિક સજા કરવી નહિ અને સ્કૂલ કે બહાર કોઈ સતત ડરાવતું નાં હોય તેનું ધ્યાન રાખવું. Dean Ornish અને એના સાથીઓ દ્વારા ૨૦૦૮ માં થયેલા એક પાયલોટ અભ્યાસ મુજબ હેલ્ધી ખોરાક, તનાવમુક્ત જીવનશૈલી તમારા telomeres ની લંબાઈ વધારીને સારું જીવન અર્પી શકે છે. હું અગાઉ લેખ લખી ચૂક્યો છું કે ધ્યાન કરો અને telomeres વધારો.
Bipolar disorder, anxiety, psychosis, panic attacks, suicide, depression, schizophrenia, OCD, alcoholism, eating disorders, આ બધા રોગોમાં વરસમાં મળેલા જિન્સ જવાબદાર હોય છે. Dr. Jehannine Austin , કહે છે સ્કીજોફ્રેનિયા,બાયપોલર ડીસઓર્ડર, OCD અને સ્કીજોઅફેક્ટીવ ડીસઓર્ડર જેવા મેન્ટલ રોગોમાં જિન્સ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે જ્યારે આલ્કોહોલીઝમ, પેનિક ડીસઓર્ડર અને મેજર ડીપ્રેશનમાં જિન્સ નાનકડો ભાગ ભજવતા હોય છે.
ADHD
Depression
Bipolar disorder
Anxiety
Panic attacks
Substance abuse
Alcoholism
Attempted or committed suicide
Schizophrenia
Seizure disorder
Dementia/Alzheimer’s
ઉપર જણાવેલા તથા બીજા મેજર મેન્ટલ રોગો વારસાગત હોવાનું અભ્યાસમાં જણાયું છે. માતાપિતામાં આવા રોગ હોય ત્યારે બાળકોમાં એના ચાન્સ વધી જતા હોય છે. ADHD માબાપમાં હોય તો બાળકોમાં ઉતારવાનો ચાન્સ ૭૫% હોય છે. સ્કીજોફ્રેનિયા ૬૪ ટકા બાળકોમાં ઉતારવાનો ચાન્સ હોય છે અને bipolar ૫૯ % રેટ ધરાવે છે. ફૅમિલીની મેન્ટલ હેલ્થ હિસ્ટ્રી જાણી લેવી ઉત્તમ છે. જેનાથી નિદાન અને ઉપાયમાં સાવધાની વર્તી શકાય છે. ભારતમાં આવી બધી બાબતોનું મહત્વ આપણે સમજતા નથી તે કરુણતા છે. આપણે માનસિક બીમાર છીએ તેવું આપણે માની જ શકતા નથી. આવી ચકાસણી કે વિચાર કરવામાં નાનમ સમજતા હોઈએ છીએ. મેન્ટલ હેલ્થ એવો વિષય છે કે જેના વિષે જાહેરમાં આપણે વાત કરતા ખચકાતા હોઈએ છીએ.
૬ થી ૧૮ વર્ષના ૪૫ મિલિયન યુથ જ્યારે ઓર્ગેનાઈઝ્ડ સ્પોર્ટમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે અમેરિકામાં ACTN3 જિન્સ ચેક કરાવીને નક્કી કરવાની સવલત પણ આવી ગઈ છે કે તમારું બાળક ફૂટબોલ સારું રમી શકશે કે લોંગ ડિસ્ટન્સ રનીંગમાં આગળ વધશે.
ભારતમાં સંગીતનો સમૃદ્ધ વારસો બાળકોમાં ઊતરતો આપણે જોયો છે અને અનુભવ્યો પણ છે. મહાન સંગીતકારોના વારસદારો પણ મહાન સંગીતકાર બનેલા છે તેવા અગણિત દાખલા ભારતમાં છે. સંગીતની પ્રતિભા બાળકોમાં ઊતરવાની શક્યતા બાળકોમાં ૫૦% હોય છે. સંગીત ક્ષમતા સાથે જોડાયેલા જિન્સ વિષે એક અભ્યાસમાં જણાયું છે. ફેમિલી બેક ગ્રાઉન્ડ ભલે ના હોય પણ આ જિન્સ જો હોય તો એવા લોકો સંગીત ક્ષમતા ધરાવે છે.
બધું જિન્સ પર ઢોળી દેવું તે પણ ડહાપણ નથી. આપણે અનુભવ વડે જે ન્યુરલ નેટવર્ક બનાવ્યું હોય તે રીતે જીવન લાભદાઈ બનતું હોય છે. અને આ અનુભવો આપણાં જિન્સ અને આસપાસના વાતાવરણ વડે ઘડાતા હોય છે તે પણ હકીકત છે. જન્મ પછી જેમ જેમ અનુભવ થતા જાય તેમ તેમ ન્યુરલ નેટવર્ક ઘડતું જાય છે. ચર્ચિલના ફાધર એને કાયમ લુઝર કહેતા. એની માતા ભાગ્યેજ એને નોટિસ કરતી. ચર્ચિલના પિતાને એના પિતા લુઝર કહેતા. એની માતા સામાજિક કામોમાં વ્યસ્ત રહેતી. ચર્ચિલ ડિપ્રેશન વડે પણ પીડાતો હતો. એના પિતા પાસેથી કડવાશ અને અવહેલના શીખ્યો. માતા પાસેથી જોખમ લઈને સામાજિક રીતે વિજયી બનવાનું શીખ્યો. જુદાજુદા પેરન્ટસ પાસેથી મળેલી સારી ખોટી લાગણીઓ પામી અનુભવો વડે ઘડાયેલો ચર્ચિલ વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલો. આમ બચપણમાં મળેલા અનુભવો થકી જે ન્યુરલ નેટવર્ક બને છે તે આખી જીંદગી આપણી સેવા કરતું હોય છે.