Pages

Saturday, May 12, 2012

मा फ़लेशु कदाचन


मा फ़लेशु कदाचन

આપણે માનવો આંબો વાવવા માટે ટેવાયેલા છીએ. એનું ખૂબ કાળજીથી જતન કરીએ છીએ. નિયમિત પાણી દઈએ છીએ. કોઈ પ્રાણી એનો નાશ કરી ના જાય માટે એની આજુબાજુ નાનકડી વાડ બનાવીએ છીએ. આપણને ખબર હોય છે કે એની કેરીઓ ખાવા નથી મળવાની. પશુઓ ખાલી બચ્ચા પેદા કરવા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને માનવો બાળકોના બાળકોનું પણ જતન કરીએ છીએ. જેથી તેઓ એમની રીતે નવી કેડી કંડારીને એમની રીતે જીવી શકે. આપણે વારસો મૂકતા જઈએ છીએ. કારણ આપણે માનવો છીએ. વારસામાં આપણે ખાલી બાળકો જ મૂકતા નથી જતા. બીજું ઘણું બધું મૂકતા જઈએ છીએ. વારસામાં ખાલી આપણાં જિન્સ મૂકતા જઈએ તેટલું પૂરતું નથી. પણ એ જિન્સ ખૂબ સારી રીતે ભવિષ્યમાં જીવે તેવું ઘણું બધું મૂકતા જઈએ છીએ. નવા વિચારો, નવી નવી શોધો, નવા નવા આદર્શો, નવી નવી પદ્ધતિઓ ઘણું બધું મૂકતા જઈએ છીએ. ભલે એના ફળ આપણને ચાખવા ના મળે. આપણો યુનિક અર્ક અસંખ્ય રૂપે જીવતો હોય છે.

Reproductive સફળતાને મદદરૂપ થાય તેવું કઈ પણ કરીએ ત્યારે Mammalian limbic સીસ્ટમ હેપી કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે. તમે ભલે reproductive success માટે ચિંતિત ના હોવપણ તમારા હેપી કેમિકલ્સ એની ચિંતા કરતા જ હોય છે. કુદરતનો આભાર માન્યા વગર પશુઓ ફક્ત એમના જિન્સ સર્વાઈવ થાય તેની ચિંતા અભાનપણે કરતા હોય છે. પશુઓ એ જ કરતા હોય જે એમના હેપી કેમિકલ્સના સ્ત્રાવ માટે કારણભૂત હોય અને દુખ પમાડે તેવાને એવોઈડ કરતા હોય છે. આપણું બ્રેઈન આપણે વારસામાં શું મૂકતા જઈએ છીએ તેનું અભાનપણે ચિંતા કરતું હોય છે, કારણ તે આપણાં હેપી કેમિકલ્સનાં સ્ત્રાવ માટે કારણભૂત બનતું હોય છે.

જરૂરી નથી કે વારસામાં ધનની મદદ વડે ચણેલી કોઈ મોટી ઇમારત મૂકતા જવું, કે પૌત્ર પૌત્રાદીને કોઈ વાનગીની રેસીપી શીખવતા જવું. વારસામાં એક જ્ઞાનનું બીજ રોપતા જવું જે કાલક્રમે ફૂટીને વૃક્ષ બની જશે તેવો વિશ્વાસ હોવો જરૂરી છે. એક વૈચારિક આંબો રોપતા જવું ભલે એની કેરીઓ ચાખવા પોતાને કદી મળે નહિ. બહુ અઘરું છે આવું કરવું, પણ વિચારો આજે આપણે ઘણું સારું જીવન જીવી રહ્યા છીએ કે ખૂબ સારા ફળ પ્રાપ્ત કરી રહ્યા છે કે એના બીજ આપણાં પૂર્વજોએ વાવેલા છે, જેઓ એના છોડ પર ખીલેલા સુંદર ફૂલ જોવા આજે જીવતા નથી. Gregor  mendel , જીનેટીક્સનાં શોધક, એમના મૃત્યુના ૨૦ વર્ષ પછી એમની પોતે પબ્લીશ  કરેલી સંશોધન બુક ઉપર વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું હતું.  અને આજે ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ જીનેટીક્સને એક મહાવૃક્ષ રૂપે વિકસાવી દીધું છે. લગભગ મોટાભાગના લોકો
એમના વાવેલા વૃક્ષોનાં ફળ ચાખ્યા વગર મૃત્યુ પામતા હોય છે. 

ક્રિસ્ટોફર કોલંબસને મરતાં સુધી ખબર નહોતી એણે કોઈ ખંડ શોધી કાઢ્યો છે. વિન્સેન્ટ વાન્ગોંગ અમૂલ્ય ચિત્રો મૂકતો ગયેલો એક પણ સેન્ટ કમાયા વગર. તિલક અને ગોખલે જેવા અનેક સ્વતંત્રતા માટે લડેલા સેનાનીઓ લાલ કિલ્લા ઉપર લહેરાતો તિરંગો જોવા જીવ્યા નહોતા. આશરે ૬૦૦ વર્ષ પહેલા
જૂનાગઢના ઉચ્ચ ગણાતા બ્રાહ્મણ નાગરી નાતના નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા નિવારણ માટેનું
એક નાનકડું બીજ હરીજનવાસમાં ભજન ગાઈને રોપેલું. એના ૫૦૦ વર્ષ પછી પોરબંદરના વણિક એને
ખૂબ પાણી પાયું. અને આજે?? જો લોકો એવું વિચારે કે હું જે વાવું તેના ફળ મને આજે જ ચાખવા મળવા જોઈએ, બાકી વાવું નહિ, તો આજે આપણે જે નવી દુનિયા જોઈ રહ્યા છીએ તે હોય નહિ. ૨૫૦૦ વર્ષ પહેલા ભારતે દુનિયાને લોકશાહીનો આદર્શ એક બીજ રૂપે આપેલો. આજે લગભગ થોડાક દેશો બાદ કરતા બધે લોકશાહી ચાલે છે. આજે આકાશે આંબતી ઈમારતો જોઈએ છીએ એનું કારણ છે ઈસુના ૩૩૦૦ વર્ષ પહેલા શૂન્યની શોધ પહેલા ભૂમિતિનું જ્ઞાન હરપ્પન લોકોને હતું.

ચાખવાનો આનંદ માણ્યાં વગર સુંદર ફળ  ઊતરશે જ એવી દ્રષ્ટિ કેળવતા નવું નવું વાવેતર કરતા જવું એનું નામ જીવન. ઘણીવાર નિરાશા ઊપજતી હોય છે કે દુનિયા તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળતો હોતો નથી. કે દુનિયા અને લોકો આપણાં કરેલા કામને કે વાવેતરને નજર અંદાજ કરતી હોય છે, ધ્યાનમાં લેતી નથી. અહી જ શ્રી કૃષ્ણે કહ્યું છે કે નિષ્કામ ભાવે કર્મ કરે રાખ કે અનાસક્ત થઈને કામ કરે રાખ. કારણ તમે દુનિયાને કંટ્રોલ કરી ના શકો.  છતાં પ્રમાણિક બનીને કહું કે નિરાશા તો થાય જ છે કે ફિલોસોફી પુસ્તકોમાં સારી લાગતી હોય છે.

પશુઓ એમના જિન્સને જીવતા રાખવા માટે ખૂબ જહેમત ઉઠાવતા હોય છે, પણ અચેતન રૂપે. તેઓ
સભાનપણે જાણતાં નથી હોતા છતાં જહેમત કરે રાખતા હોય છે, જીવ સટોસટની લડાઈ લડે રાખતા
હોય છે. બસ એમના હેપી કેમિકલ્સ સ્ત્રવે તેવું કરે રાખવું અને દુખ પમાડે તેવા રસાયણ સ્ત્રવે તેને એવોઈડ કરવું. એમની પાસે પૂરતા ન્યુરોન્સ હોતા નથી કે ભવિષ્યની કલ્પના કરે. તેઓ જાણતા હોત નથી કે એમના વગર પણ દુનિયા  એક દિવસ ચાલવાની જ છે.

આપણે માનવો પાસે પુષ્કળ ન્યુરોન્સ છે, ભવિષ્યની કલ્પના છે. આપણને આપણી મરણશીલતાનું
મહાભારે બોજરૂપ જ્ઞાન છે. આપણું cortex આપણાં પોતાના મૃત્યુની એક અમૂર્ત છબી ઉપજાવી શકે છેજે આપણા સર્વાઈવલ કેન્દ્રિત reptile બ્રેઈનની બહાર જઈને આપણને દિવસના જીવંત અજવાળાથી પણ ડરાવે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દ્રાક્ષ ખાટી છે છોડો, ઘણીવાર વિચારીએ છીએ કે દુનિયા ગઈ ભાડમાં આપણે શું? અને ઘણીવાર આપણે દુનિયાને બદલી નાખીએ તેવો અહંકાર લઈને દોડીએ છીએ. દુનિયા તો એક વહેતો મહાસાગર છે, આપણે એને સ્થિર કરીને આપણી એક છાપ એના ઉપર મારવા ઇચ્છીએ છીએ. પણ એવું થતું નથી.આખી દુનિયા તમે બદલી શકો નહી.  લોકોના ગળે તમારી વાત સહેલાઈથી ઉતારીને તમે ભવિષ્ય બદલી શકો નહી.

પશુઓ શું કરે છે એમનો વારસો બચાવવા? એક પછી એક પડકાર ઝીલીને પાર ઊતરે છે અચેતન
રૂપે, અભાનપણે. આપણે સર્વાઈવલ માટેના પડકારો સર્જનાત્મક રીતે જીતી શકીએ. આપણે નવી નવી
સર્જનાત્મક સર્વાઈવલ સ્કીલ વારસામાં મૂકી જઈ શકીએ છીએ. અને એ રીતે દુનિયા ઉપર એક સિક્કો મારી શકીએ.એક નવો વિચાર, એક નવો આદર્શ, એક નવું સંશોધન, એક નવું વિજ્ઞાન, એક નવું બીજ રોપી શકીએ. જેના ફળ આપણાં વારસદારોને ચાખવા મળે. અને એ રીતે આપણાં જિન્સ જીવતા રહે.

વૈજ્ઞાનિકોનું નવું સંશોધન કહે છે કે આપણે આપણાં અનુભવોમાંથી કેળવેલા વિશિષ્ટ ગુણ,  વિશિષ્ટ લક્ષણ,  લાક્ષણિકતા,  ખાસિયત આપણાં વારસદારોમાં  જિન્સ દ્વારા મોકલી શકીએ છીએ. પશુઓ એમના જિન્સ ફેલાવવા માટે ખૂબ મથતાં હોય છે સાથે સાથે એમના જીવનના અનુભવો એમના વારસોમાં દાખલ કરતા હોય છે. આપણાં અનન્ય અનોખાં જીવનનાં અજોડ અનુભવો દ્વારા ઘડાયેલા અનુપમ જિન્સનું ફળ એટલે આપણો વારસો.

1 comment: